Rahul Gandhi Gujarat Visit: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે ગુજરાતના અમદાવાદમાં એવું નિવેદન આપ્યું છે કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. રાહુલે કહ્યું, હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું મંચ પરથી કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતને રસ્તો બતાવવામાં સક્ષમ નથી. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના લોકો છે. એક તો એ છે જે જનતાની સાથે ઊભા રહે છે. જેમના હૃદયમાં કોંગ્રેસની વિચારધારા છે. રાહુલે કહ્યું, બીજા એવા લોકો છે જે જનતાથી દૂર છે. તેમાંથી અડધા ભાજપમાં જોડાઈ ગયા છે. જ્યાં સુધી આપણે આ બંનેને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતના લોકો આપણા પર વિશ્વાસ કરી શકશે નહીં.
'ગુજરાતના લોકો વિકલ્પ ઇચ્છે છે'
રાહુલ ગાંધીએ કહ્યું, ગુજરાતના લોકો એક વિકલ્પ ઇચ્છે છે. બી ટીમ જોઈતી નથી. મારી જવાબદારી આ બે જૂથોને ફિલ્ટર કરવાની છે. આપણી પાસે બબ્બર શેર છે પણ પાછળ એક સાંકળથી બંધાયેલા છે. તેમણે કહ્યું, જો આપણે કડક કાર્યવાહી કરવી પડે. જો ૧૦, ૧૫, ૨૦, ૩૦ લોકોને કાઢી મૂકવાના હોય, તો તેમને કાઢી મૂકવા જોઈએ. તમે અંદરથી ભાજપ માટે કામ કરી રહ્યા છો. ચાલો બહાર જઈને કામ કરો. ત્યાં તમારા માટે કોઈ જગ્યા નથી.
રાહુલે કહ્યું, હું ગઈકાલે વરિષ્ઠ નેતાઓ, જિલ્લા અને બ્લોક પ્રમુખોને મળ્યો હતો. મારો ઉદ્દેશ્ય તમારા હૃદયમાં શું છે તે જાણવાનો અને સમજવાનો હતો. આ વાતચીતમાં સંગઠન, ગુજરાતની રાજનીતિ અને અહીંની સરકારની કામગીરીને લગતી ઘણી બાબતો પ્રકાશમાં આવી. પણ હું અહીં ફક્ત કોંગ્રેસ પાર્ટી માટે નથી આવ્યો, પરંતુ રાજ્યના યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે આવ્યો છું.
હું તમારી વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. મારા મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો. ગુજરાતમાં મારી અને કોંગ્રેસની જવાબદારી શું છે? હું ફક્ત કોંગ્રેસ માટે નથી આવ્યો, હું યુવાનો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ, બહેનો માટે આવ્યો છું. મેં મારી જાતને પૂછ્યું- મારી અને કોંગ્રેસની જવાબદારી શું છે? અમે લગભગ 30 વર્ષથી અહીં સરકારમાં નથી. જ્યારે પણ હું આવું છું, ત્યારે 2012, 2017, 2022, 2027 ની ચૂંટણીઓ વિશે વાત થાય છે. પણ પ્રશ્ન ચૂંટણીનો નથી. જ્યાં સુધી આપણે આપણી જવાબદારીઓ પૂર્ણ નહીં કરીએ, ત્યાં સુધી ગુજરાતના લોકો આપણને ચૂંટણી જીતવા નહીં દે. આપણે ખરેખર ગુજરાતના લોકો પાસેથી સરકાર ન માંગવી જોઈએ. જે દિવસે આપણે આપણી જવાબદારી પૂરી કરીશું, ગુજરાતના લોકો કોંગ્રેસને ટેકો આપશે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે અમદાવાદમાં આયોજિત કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસી કાર્યકરોને સાંભળ્યા .વન ટુ વન તમામ નાનામાં નાના કાર્યકર્તાની વાત સાંભળી. જો કે આ બેઠક બંધબારણે હતી. કાર્યકરો સાથે બંધ બારણે બેઠક બાદ જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસ અનેક કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. આ સંબોધનમાં રાહુલ ગાંધી એવું કંઈક બોલ્યા કે કેટલાક કોંગ્રેસી કાર્યકરો ટેન્શનમાં આવી ગયા છે. ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો બે પ્રકારના છે, એક કોંગ્રેસની વિચારધારાથી વરેલા જ્યારે બીજા છે ભાજપને મળેલા. કાર્યકરોના આ બન્ને ગ્રુપને અલગ કરવાની જરૂર છે. રાહુલ ગાંધીએ સ્ટેજ પરથી જ આ નિવેદન આપ્યું તો તાળીઓથી આખો હોલ ગૂંજી ઉઠ્યો હતો.
રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું કે, કોંગ્રેસ રહીને ભાજપનું કામ કરતાં કાર્યકરો પર કડક કાર્યવાહી જરૂરી છે. 10, 15, 20, 30 લોકોને કાઢવા પડે તો કાઢી દેવા જોઈએ. રાહુલ ગાંધીના સંબોધનમાં સૌથી ખાસ વાત એ હતી કે તેમણે ગુજરાત સરકાર કે પછી કેન્દ્ર સરકાર પર કોઈ પ્રહાર કર્યા નહતા. માત્ર પાર્ટી અને કાર્યકર્તાઓની જ વાત કરી. તેમણે સરકારના કામકાજની કોઈ વાત ન કરી. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી. કોઈ પણ રાજ્યમાં વિપક્ષ દિવસે દિવસે મજબૂત થાય છે. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત નહીં પણ નબળી પડી રહી છે. એન્ટી ઈન્કમબન્સીને પણ કોંગ્રેસ ખાળી શકી નથી. રાહુલ ગાંધીએ જે કહ્યું તે દર્પણ જેવું સાચુ છે. કોંગ્રેસે જો મજબૂત થવું હશે તો કડક નિર્ણય લેવા જ પડશે. હવે એ જોવાનું રહેશે કે ક્યારે નિર્ણય લેવામાં આવે છે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે