ગૌરવ દવે/રાજકોટ: ધંધા-રોજગારના બહાને વેપારીઓને પરપ્રાંતિયો શીશામાં ઉતારી દેતા હોય છે ત્યારે રાજકોટના વધુ એક વેપારીને હળદરની ખેતી માટે 54 એકર જગ્યામાં પોલીસ હાઉસ ઊભા કરી ઉત્પાદન, વેચાણની જવાબદારી લઈ એકર દીઠદર વર્ષે 1.20 કરોડ વળતરની લાલચ આપી 64 કરોડ 80 લાખની છેતરપીંડીનો ભોગ બન્યો છે. છેતરપીંડી આચરનાર યુપી, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશની ટોળકીના 19 ગઠિયાઓ સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ત્રણ વર્ષ માટે 1 અબજ 94 લાખ 40 હજાર રૂપિયાનો કોન્ટ્રાકટ કરી હાથ ઊંચા કરી દીધા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
રાજકોટના જગ્ગનાથ પ્લોટમાં રહેતા અને નવલનગરમાં ધર્મભક્તિ વેન્ચર નામે ભાગીદારી પેઢી ધરાવતા પ્રશાંત પ્રદીપ કાનાબારે 19 શખ્સો સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં 64 કરોડ 80 લાખની છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને કહ્યું હતું કે, ધર્મભક્તિ વેન્ચર નામની પેઢીમાં હું, મારા ભાઈ ધવલ અને ઈન્દ્રવદનભાઈ બાબુલાલ રાઠોડ ભાગીદાર છીએ. 2021માં હિમતનગર કામ સબબ ગયેલ ત્યાં ચંદ્રકાંતભાઈ પટેલ સાથે મુલાકાત થયેલ તેણે મુંબઈની A S AGRI AND AQUA LLP કંપની જે હળદરની ખેતીનો પ્રોજેક્ટ આપે છે જેમાં આપણે ફક્ત વીજળી અને પાણી પૂરું પાડવાનું ફાર્મિંગના માણસો, ઉત્પાદન અને વેચવાનું કામ કંપની છે એલ વર્ષ બાદ રોકાણ બાદ છ વર્ષ સુધી પૈસા પરત આપે છે જે પ્રોજેક્ટ સારો લાગતા ભાગીદારો સાથે વાત કરી અને સીએ હાર્દિકભાઈ અમદાવાદ ગયેલા ત્યાં અવિનાશ મળેલ અને માહિતી આપતા જણાવેલ કે ખેતીના પોલી હાઉસ બનાવવા એક એકર દીઠ 2 કરોડનો ખર્ચ થાય જેમાં 1.20 કરોડનું અમારે અને 80 લાખનું કંપની રોકાણ કરશે રોકાણના 16 મહિના પછી એકર દીઠ 1.20 કરોડનું છ વર્ષ વળતર મળશે તેમ કહેતા અમે 2023, 2024 અને 2025 એમ ત્રણ વર્ષનો 1.94 અબજનો કરાર કર્યો હતો અને જુલાઈ તથા સપ્ટેમ્બર 2021માં 53 ટ્રાન્જેક્શન કરી 64 કરોડ 80 લાખ ચૂકવ્યા હતા. જાન્યુઆરી 2023માં અમે નફો માંગતા ખોટા વાયદાઓ આપ્યા હતા. બાદમાં 10 ટકા બાદ કરી 53.32 કરોડ થોડા દિવસોમાં આપી દેશે તેવી સહમતી દર્શાવી હતી પરંતુ એકપણ રૂપિયો નહી આપી ઠગાઈ કરતા અંતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહારાષ્ટ્રના પુણેમાં રહેતા હર્ષલ મહાદેવરાવ ઓઝે, વૈભવ વિલાસ કોટલાપુરે, પ્રવીણ વામન પથારે અને નાગપુરમાંથી હિરેન દિલીપ પટેલની ધરપકડ કરી છે
શું હતી આરોપીઓની મોડેશ ઓપરેન્ડી?
પોલીસના કહેવા મુજબ, આરોપીઓ A S AGRI AND AQUA LLP, CIN NO. AAM-3161 ના ઓથોરાઇઝ પર્સન છે અને આરોપીઓએ પોતાનો સમાન આર્થીક ઇરાદો પાર પાડવા માટે પુર્વયોજીત ગુન્હાહીત કાવતરૂ રચી ફરીયાદી તથા સાહેદોને વિશ્વાસમાં લઇ હળદરની ખેતીના પ્રોજેક્ટની લાલચ આપી યુ-ટ્યુબમાં લોભામણા વિડીયો દેખાડી હળદરની ખેતી માટે પોલી હાઉસ બનાવવા 54 એકર જમીનના કોન્ટ્રાક્ટ ફાર્મીંગ એગ્રીમેન્ટ આરોપી સંદેશ ગણપત ખામકરે ફરીયાદીની ધર્મભકીત વેન્ચર પ્રા.લીને કરી આપી રૂપીયા 64,80,00,000/- (ચોસઠ કરોડ એંશી લાખ) નું રોકાણ કરાવી બાદ પોલી હાઉસ ઉભુ નહી કરી એગ્રીમેન્ટ (MOU) મુજબ 16 મહીના પછી દર વર્ષે છ વર્ષ સુધી પાકતી મુદ્દતે રૂ.64,80,00,000/- (ચોસઠ કરોડ એંશી લાખ) જાન્યુઆરી-2023 માં આપવાના હતા તે આપેલ નહી તેમજ જાન્યુઆરી-2023, જાન્યુઆરી-2024 તથા જાન્યુઆરી-2025 એમ ત્રણ વર્ષના વાર્ષીક ચુકવવા પાત્ર થતી એગ્રીમેન્ટ મુજબની કુલ રકમ રૂા.1,94,40,00,000/- (એક અબજ ચોરાણુ કરોડ ચાલીશ લાખ) આપેલ નથી. આકામે એ.એસ.એગ્રી.એન્ડ એકવા.એલ.એલ.પી.માં મુખ્ય આરોપી પ્રશાંત ગોપ 2/3 એલ.એલ.પી માં 55 ટકાના ભાગીદાર છે અને અન્ય 18 ભાગીદારો 2.50 - 2.50 ટકાના ભાગીદાર છે
આ 19 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ
1) સંદેશ ગણપત ખામકર-મુંબઈ
2) પ્રશાંત ગોવિંદરાઓ ઝાડે- મુંબઈ
3) હિરેન દિલીપભાઈ પટેલ-નાગપુર
4) રોહિત રમેશ લોન્કર-પુણે
5) કમલેશ મહાદેવરાવ ઓઝે-પુણે
6) સંદીપ ચિંતામણ સામંત-પુણે
7) પ્રવીણ વામન પથારે-પુણે
8) હર્ષલ મહાદેવરાવ ઓઝે-પુણે
9) વૈભવ વિલાસ કોટલાપુરે-પુણે
10) સુરિંદર અવતારસિંઘ ધીમન-પુણે
11) નિરંજન ક્રિષ્નાનંદ કડલે-મુંબઈ
12) જયંતા રામચંદ્ર બાંદેકર-મુંબઈ
13) પ્રતિક વિનોદ શર્મા-પુણે
14) સાઈનાથ સંભાજીરાવ નાદર-મુંબઈ
15) સેન્થીલકુમાર સેલ્વારાજ નાદર-મુંબઈ
16) શંકર રાધાકિશ્ન નાયર-યુપી
17) ઐનાશ બબન સાંગલે-મુંબઈ
18) શ્રીનિવાસ તુલસીદાસ ભૂસેવર-નાંદેડ
19) નવનીતસિંઘ બીરીન્દરપાલસિંગ તુલી-નાગપુર
પોલીસના કહેવા મુજબ ફરિયાદીએ 108 એકર જમીન લીઝ ઉપર લઇ ખેડૂતોને 3.25 કરોડ ચૂકવ્યા છે. જેમાં દ્વારકાના ધારાગઢના રાજેશ મોદીની 26.85 એકર, રૂદરડીના અબ્બાસ તથા જૈનબની 21.0190 એકર, હિંમતનગરના હાપાના મુસ્તુફા અને મહમદની 18.9691 એકર, કાટવડના રીયાઝ અને નઝમાબેનની 9.2478 એકર. હબીબાબેનની 18.3227 એકર મળી કુલ 108 એકર જમીનનો 6 વર્ષનો ભાડાકરાર કરી એક વર્ષના એડવાન્સ પેટે 3,24,36,395 પેમેન્ટ ચુકવ્યું હતું. DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ઠગ ટોળકી સામે વડોદરા, અમરેલી અને મહારાષ્ટ્રના થાણે તથા પુણેમાં પણ આ પ્રકારના ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાં સંદેશ ખામકર, પ્રશાંત ઝાડે અને સંદીપ સામંત પકડાઈ ચુક્યા છે અને હાલ જેલમાં છે.
પોલી હાઉસ ઉભા કરી એકર દીઠ છ વર્ષ સુધી રૂ.1.20 કરોડની લાલચ આપી હતી આરોપીઓએ ઠગાઈ કરી હતી. 1.94 અબજનો 3 વર્ષનો કોન્ટ્રાકટ કરી હાથ ઊંચા કરી દેતા ફરિયાદી પોલીસના શરણે આવ્યો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને દબોચી લેવા ચક્રોગતિમાન કર્યા છે. જોકે 4 આરોપીઓ પોલીસના હાથે આવી જતા કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ માંગતા કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસ તપાસમાં કેટલા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે