Vadodara Rakshitkand : વડોદરાના રક્ષિત ચૌરસિયા હિટ એન્ડ રનનો મામલામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કારેલીબાગ પોલીસે ગાંધીનગર એફએસએલમાં મોકલેલ બ્લડ રિપોર્ટના સેમ્પલ પોલીસને મળ્યા છે. જેમાં રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડે ગાંજો પીધો હોવાનું FSL રિપોર્ટમાં સામે આવ્યું છે.
કારેલીબાગ પોલીસે ત્રણેય સામે નશો કર્યાનો અલાયદો ગુનો દાખલ કર્યો છે. પોલીસે પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી છે, પણ સુરેશ ભરવાડ ફરાર છે. રક્ષિત ચોરસિયા સાથે પ્રાંશુ ચૌહાણ સાથે કારમાં સવાર હતો. સુરેશ ભરવાડના ઘરે ત્રણેય મિત્રોએ ગાંજો પીધો હતો તેવું ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું.
હાલ વડોદરા પોલીસે રક્ષિત અને તેના મિત્રો ગાંજો ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.
પોલીસને હજી નિકિતા નથી મળી
રક્ષિત ચૌરસિયા કાર અકસ્માત સર્જીને અનધર રાઉન્ડ નિકિતા બોલ્યો હતો. જોકે, સમગ્ર કેસમાં નિકિતા કોણ છે તેના પરથી હજી સુધી પડદો ઉંચકાયો નથી. અકસ્માત સર્જી કારમાંથી બહાર નિકળેલા રક્ષિતે અનધર રાઉન્ડ... અનધર રાઉન્ડની બુમો પાડતા લોકોએ તેની પકડી પાડી મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો.
હોળીએ બની હતી રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રનની ઘટના
હોલીકા દહનની રાત્રે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આરોપી કાર ચાલક રક્ષિત ચૌરસિયા દ્વારા કારની અડફેટે ત્રણ વાહનોને લીધા હતા. જે પૈકી એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 7 ને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ ચકચારી ઘટનામાં આરોપી હાલ જેલ હવાલે છે. દરમિયાન પોલીસ દ્વારા તેનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે.
વડોદરા વધુ એક હિટ એન્ડ રન
વડોદરા શહેરમાં રફતારના રાક્ષસો બેકાબૂ બની રહ્યાં છે. આજે શનિવારે વડસર GIDC બ્રિજ પર રફતારના રાક્ષસે કહેર વર્તાવ્યો હતો. બેફામ બનેલા કાર ચાલકે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું હતું. અકસ્માતમાં દંપતીને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે, અકસ્માત સર્જીને ભાગવા જતા કાર ચાલકે અન્ય કાર સાથે પણ અકસ્માત સર્જ્યો હતો. રોડ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. માંજલપુર પોલીસ મથકે બેફામ બનેલા કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. કાર ચાલક નશામાં હોવાનું અનુમાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે