ઉદય રંજન, અમદાવાદઃ શોર્ટકટમાં પૈસા કમાવવા માટે એક ડ્રાઈવરે ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો. મહિને માંડ 15 થી 20 હજાર રૂપિયા કમાનાર યુવકે રાતો રાત લાખોપતિ બનવા માટે હથિયારની હેરાફેરીનું કામ શરૂ કર્યું હતું. પરંતુ પ્રથમ ખેપ પહોંચાડે તે પહેલા ડ્રાઈવર પોલીસના હાથમાં આવી ગયો છે. મહારાષ્ટ્રથી હથિયાર લાવી ગુજરાતમાં ગ્રાહકો સુધી પહોંચાડવાના કેસમાં ડ્રાઈવરની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
વટવા પોલીસે ઝડપેલા આ વ્યક્તિનું નામ હુસેન ઉર્ફે શુટર શેખ છે. આ આરોપીની હથિયારોની હેરાફેરીનાં ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં વટવા વિસ્તારમાંથી હથિયાર સાથે આ યુવક ઝડપાયો છે. વટવા પોલીસે બાતમીના આધારે એસપી રિંગ રોડ પર રોપડા પાસેથી આ યુવકની ધરપકડ કરી છે. તેની તપાસ કરતા તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ તેમજ બે મેગઝીન મળી આવી છે. જેથી તેની સામે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ફરવાના શોખીન લોકો માટે ગુજરાતના આ સ્થળો જન્નત! સંસ્કૃતિ અને ઇતિહાસની કરાવે છે ઝાંખી
આરોપીની પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે તે આ આરોપી મહારાષ્ટ્રથી ગુજરાતમાં હથિયારની ડિલિવરી કરવા માટે નીકળ્યો હતો. પકડાયેલા આરોપી આઠ નવ મહિના પહેલા ઔરંગાબાદ ખાતે મજૂરી કામે પરિવાર સાથે ગયો હતો. જ્યાં તે ભંગારની દુકાનમાં ડ્રાઇવિંગનું કામ કરતો હતો. આ દરમિયાન તેની નોકરીના સ્થળ પાસે સીટ કવરની દુકાનમાં નોકરી કરતા શાહરૂખ સાથે મુલાકાત થઈ હતી. જે બાદ બંને વચ્ચે વાતચીત થતી હતી. શાહરૂખ જાણતો હતો કે હુસેન શેખને પૈસાની જરૂર હતી, જેથી તેણે હુસેનને પિસ્તોલ અને કારતૂસ ગુજરાતમાં જસદણ ખાતે મોહમ્મદ ઉર્ફે દાદૂ કથેરી સૈયદ નામના શખ્સને ડિલિવરી કરવા કહ્યું હતું.
હુસેન શેખને પૈસાની જરૂર હતી અને એક ટ્રીપ માટે 10 હજાર રૂપિયા મળવાના હોવાથી તેણે હથિયાર જસદણ પહોંચાડવાની હા પાડતા તેને શાહરુખે એડવાન્સ 10 હજાર રૂપિયા અને હથિયાર આપી ડિલીવરી કરવા મોકલ્યો હતો, અને બાકીનાં 7 હજાર રૂપિયા હથિયારને ગ્રાહક પાસે પહોંચાડી પરત ફરે ત્યારે તેને મળવાના હતા, જોકે તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે આ મામલે મહારાષ્ટ્રનાં અને જસદણનાં આરોપીનાં પકડાયા બાદ હથિયારોની સોદાબાજીના નેટવર્ક અંગે વધુ ખુલાસા થઈ શકે તેમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે