ઝી બ્યુરો/સુરત: સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે સુરત પોલીસ હવે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરી રહી છે. CCTV કેમેરા અને 'પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ'નો ઉપયોગ કરીને હેલ્મેટ વગરના વાહન ચાલકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ નવી વ્યવસ્થા સુરત પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલ રૂમથી સંચાલિત થાય છે. જ્યાં પોલીસ કર્મીઓ ત્રણ શિફ્ટમાં કામ કરીને 24x7 ટ્રાફિક પર નજર રાખે છે.
સુરત શહેરના તમામ મુખ્ય રસ્તાઓ અને ચાર રસ્તાઓ પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા સતત વાહન ચાલકોની હરકતો પર નજર રાખે છે.જો કોઈ વ્યક્તિ હેલ્મેટ વગર બાઈક ચલાવી રહ્યો હોય, તો CCTV ફૂટેજ માધ્યમથી તેની ઓળખ તાત્કાલિક થાય છે. કેમેરા વાહનની વિગતો જેમકે નંબર પ્લેટ, મોડલ, રંગ તેમજ ચાલકના કપડાંની ઓળખ કરવામાં મદદ કરે છે.સુરત કંટ્રોલ રૂમમાં બેસેલા ટ્રાફિક કર્મીઓ આ માહિતી ગણતરીના સેકન્ડમાં નજીકના જે તે ટ્રાફિક પોઇન્ટ પર મોકલે છે.
કંટ્રોલરૂમમાંથી માઈકની મદદથી આ સૂચના આપવામાં આવે છે. શહેરના દરેક મુખ્ય ટ્રાફિક પોઇન્ટ પર પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. કંટ્રોલરૂમમાંથી માહિતી મળેલી સૂચના લાઈવ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પર સંભળાય છે જેના માધ્યમથી પોલીસ તરત જ હરકતમાં આવી જાય છે અને એનાઉન્સમેન્ટના આધારે જે વાહન ચાલક અંગેની જાણકારી મળે છે. તેની પાસે તરત જ પહોંચી જાય છે. જાણકારી મળ્યા બાદ નજીકના ટ્રાફિક પોલીસ કર્મીઓ હેલ્મેટ વગરના વાહન ચાલકને શોધી અને તેમને રોકી લે છે. નિયમ ભંગ કરવા બદલ ચાલનની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે છે.
ટ્રાફિક પોઇન્ટ પર કેવી રીતે થાય છે એનાઉન્સમેન્ટ?
ઉદાહરણ:
"ધ્યાન આપો! કાળા રંગના એક્ટિવા પર સવાર બે વ્યક્તિઓ હેલ્મેટ વગર છે. તેમણે સફેદ શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યા છે. તેઓ Udhna Magdalla Road પર ટ્રાફિકમાં ઉભા રહેલા છે. નજીકના ટ્રાફિક અધિકારી તાત્કાલિક કાર્યવાહી કરો."
"લાલ કલરની બાઈક નંબર GJ05-AB-1234 પર હેલ્મેટ વગરનો સવારી કરી રહ્યો છે. તેમણે લીલો શર્ટ અને કાળા જીન્સ પહેર્યા છે. તેઓ રિંગ રોડ ચાર રસ્તા નજીક છે. નજીકના પોલીસ કર્મી તાત્કાલિક કાર્યવાહી કરે, સફેદ સ્કૂટર પર સવાર એક વ્યક્તિ, જેણે હેલ્મેટ પહેર્યું નથી, જીલેસ પોલીસ ચોકી પાસે ઉભા છે. તેમણે પીળું ટી-શર્ટ અને નિલા રંગની પેન્ટ પહેરી છે. નજીકના ટ્રાફિક અધિકારી તેને રોકી તરત જ કાર્યવાહી કરે."
જો તમે હેલ્મેટ વગર બાઈક ચલાવશો અને વિચારશો કે તમે ટ્રાફિક પોલીસની નજરમાંથી બચી જશો, તો તે શક્ય નથી. સુરત ટ્રાફિક પોલીસની આ નવી ટેક્નોલોજી સિસ્ટમ 24 કલાક સક્રિય છે અને હેલ્મેટ વગર વાહન ચાલકો સામે ત્વરિત કાર્યવાહી કરવા સક્ષમ છે. હવે સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવું ફરજિયાત બની ગયું છે. લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે