જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી હોવ કે તમારા પરિવારમાં કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નોકરી કરતા હોવ તો આ સમાચાર તમારા કામના છે. એક નવી અપડેટ મુજબ લગભગ સવા કરોડ કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આ સમાચાર નિરાશાજનક હશે. હાલમાં જ સરકાર તરફથી મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં 2 ટકાના વધારાના જાહેરાત કરાઈ હતી. જેનાથી તે હવે વધીને 55% થઈ ગયું. ડીએમાં આ વધારો ગત 78 મહિના (લગભગ સાડા છ વર્ષ)માં સૌથી ઓછું રહ્યું. પરંતુ હવે 2025ના પહેલા ત્રણ મહિનામાં મોંઘવારીમાં કમી આવવાના કારણે આગામી ડીએ હાઈક 2 ટકાથી પણ કે શૂન્ય હોઈ શકે છે.
સાતમા પગાર પંચનું છેલ્લું ડીએ હાઈક
આ સમાચાર એવા કર્મચારીઓ અને પેન્શનર્સ માટે નિરાશાજનક રહેશે જે જુલાઈ-ડિસેમ્બર 2025 માટે સારા ડીએ હાઈકની અપેક્ષા રાખી બેઠા છે. આ સાતમા પગાર પંચનું છેલ્લું ડીએ હાઈક હશે. કારણ કે પગાર પંચનો 10 વર્ષનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થઈ રહ્યો છે. સરકાર તરફથી વર્ષની શરૂઆતમાં આઠમાં પગાર પંચની રચનાની મંજૂરી આપી દેવાઈ હતી. નવું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધારા સંલગ્ન ભલામણો કરશે.
શું છે મોંઘવારી ભથ્થું
મોંઘવારી ભથ્થું એક સ્પેશિયલ ભથ્થું છે જે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને વધતી મોંઘવારીની અસરને ઓછી કરવા માટે આપવામાં આવે છે. આ ભથ્થામાં વર્ષમાં બે વાર ફેરફાર કરાય છે. પહેલું જાન્યુઆરી અને બીજું જુલાઈમાં. પહેલો વધારો સામાન્ય રીતે માર્ચ મહિનામાં અને બીજો વધારો ઓક્ટોબર/નવેમ્બર મહિનામાં જાહેર કરાય છે. ડીએની ગણતરી AICPI-IW ના આધારે કરાય છે. આ સૂચકઆંક કર્મચારીઓની વાસ્તવિક આવકને જાળવી રાખવામાં મદદ કરે છે.
ડીએ વધારામાં કમીનું કારણ
2025ના પહેલા બે મહિનામાં AICPI-IW ડેટામાં કમી જોવા મળી છે. જેના કારણે જુલાઈ-ડિસેમ્બર 2025 માટે ડીએ હાઈક ઓછો હોઈ શકે છે. AICPI-IW ડીએ હાઈકની ગણતરી માટે એક મહત્વનો માપદંડ છે. લેબર મિનિસ્ટ્રી હેઠળ લેબર બ્યૂરોના હાલના આંકડા મુજબ ફેબ્રુઆરી 2025માં AICPI-IW 0.4 અંક તૂટીને 142.8 પર આવી ગયો જ્યારે જાન્યુઆરી 2025માં તે 143.2 હતો.
વર્ષ દર વર્ષના આધારે ફેબ્રુઆરી 2025માં મોંઘવારી દર ઘટીને 2.59% હતો. જે ફેબ્રુઆરી 2024માં 2.59% હતો. જાણકારોનું કહેવું છે કે માર્ચ અને એપ્રિલમાં AICPI-IWમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. સીપીઆઈ બેસ્ડ છૂટક મોંઘવારી દર માર્ચ 2025માં પાંચ વર્ષના નીચલા સ્તરે 3.34% પર પહોંચી ગયો જ્યારે ફેબ્રુઆરીમાં તે 3.61% હતો.
કઈ રીતે થાય છે કે ડીએની ગણતરી
ડીએની ગણતરી AICPI-IW ના સરેરાશના આધારે કરાય છે. આ સૂચકાંક દર મહિને લેબર મિનિસ્ટ્રી તરફથી બહાર પાડવામાં આવે છે. જો આ સૂચકઆંક ઓછો હોય તો ડીએ હાઈક પણ ઓછો થઈ જાય છે. જો આગામી ચાર મહિના સુધી AICPI-IW માં ઘટાડો ચાલુ રહે તો કર્મચારીઓને 2% પણ ઓછો કે ઝીરો ડીએ વધારો મળી શકે છે. તેની સીધી અસર કર્મચારીઓ અને પેન્શનર્સની આવક પર પડશે. ડીએ પગાર અને પેન્શનનો મહત્વનો ભાગ છે. જો ડીએમાં કોઈ વધારો ન થાય તો કર્મચારીઓની ખરીદશક્તિ પ્રભાવિત થઈ શકે છે. તેની સીધી અસર તેમની બચત અને લાઈફસ્ટાઈલ ઉપર પણ પડી શકે છે.
સાતમાં પગાર પંચનું ભવિષ્ય
સાતમાં પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર 2025માં પૂરો થઈ રહ્યો છે. આવામાં કર્મચારીઓ અને પેન્શનર્સ આઠમાં પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. જો ડીએ હાઈક ઓછો હયો તો કર્મચારીઓની નજર નવા પગાર પંચ પર ટકશે જો કે સરકારે હજુ સુધી આઠમાં પગાર પંચ વિશે વધુ કોઈ જાહેરાત કરી નથી. કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી ડીએમાં સારા એવા વધારાની માંગણી કરી રહ્યા છે. તેમની માંગણી છે કે સરકાર મોંઘવારી પ્રમાણે ડીએને એડજસ્ટ કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે