કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આઠમાં પગાર પંચના લાગૂ થયા બાદ તેમના માસિક પગારમાં 14,000 રૂપિયાથી 19,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. આ અનુમાન Goldman Sachs ના એક રિપોર્ટમાં લગાવવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ આઠમાં પગાર પંચની રચના એપ્રિલ 2025માં થાય તેવી શક્યતા છે અને તેની ભલામણો 2026 કે 2027માં લાગૂ થઈ શકે છે.
કેટલો વધી શકે પગાર
કેન્દ્ર સરકારના કર્મચારીઓનો સરેરાશ મંથલી પગાર એક લાખ રૂપિયા હોય છે. જો આઠમા પગાર પંચની ભલામણો લાગૂ થાય તો આ પગાર 14-19% સુધી વધી શકે છે.
Goldman Sachs એ જણાવી ત્રણ સંભાવનાઓ
- જો સરકાર 1.75 લાખ કરોડ રૂપિયા ફાળવણી કરે તો મંથલી પગાર 14,600 રૂપિયા વધશે.
- જો સરકાર 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખે તો મંથલી પગાર 16,700 રૂપિયા વધશે.
- જો સરકાર 2.25 લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખે તો મંથલી પગાર 18,800 રૂપિયા વધશે.
કેટલા લોકોને ફાયદો
50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેનો લાભ મળશે. 65 લાખથી વધુ પેન્શનર્સને પણ પેન્શન વધારાનો ફાયદો થશે. ગત સાતમા પગાર પંચમાં 1.02 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો આવ્યો હતો જ્યારે આ વખતે સરકાર તેમાં વધુ બજેટની ફાળવણી કરી શકે છે.
અત્રે જણાવવાનું કે 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય કેબિનેટે આઠમાં પગાર પંચને મંજૂરી આપી હતી. અધ્યક્ષ, સદસ્ય, અને નિયમ તથા શરતો હજુ નક્કી થઈ નથી. પંચનો રિપોર્ટ આવ્યા બાદ જ નવા સેલરી સ્ટ્રક્ચર પર અંતિમ નિર્ણય લેવાશે.
ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે?
ફિટમેન્ટ ફેક્ટર એ મલ્ટીપલ છે જેનાથી ન્યૂનતમ પગારને વધારવામાં આવે છે. સાતમાં પગાર પંચમાં તે 2.57 હતું જેનાથી લઘુત્તમ પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થઈ ગયો હતો. જો આઠમા પગાર પંચમાં પણ ફિટમેન્ટ ફેક્ટર 2.57 લાગૂ થાય તો લઘુત્તમ પગાર 46,260 રૂપિયા થઈ જશે. પેન્શન પણ 9,000 થી વધીને 23,130 રૂપિયા થઈ જાય. જો કે કેટલાક એક્સપર્ટ્સનું માનવું છે કે ફિટમેન્ટ ફેક્ટર 1.92 પણ હોઈ શકે છે. જેનાથી લઘુત્તમ પગાર 34,560 રૂપિયા સુધી વધી શકે.
શું કહે છે એક્સપર્ટ્સ
નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીના સચિવે કહ્યું કે ફિટમેન્ટ ફેક્ટર 2.57 કે તેનાથી વધુ હોવું જોઈએ. પૂર્વ નાણા સચિવ સુભાષ ગર્ગના જણાવ્યાં મુજબ 2.86 ફિટમેન્ટ ફેક્ટરની માંગણી અવ્યવહારિક છે અને તે 1.92 ની આસપાસ રહી શકે છે. આઠમાં પગાર પંચના લાગૂ થયા બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે. તેનાથી લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને સીધો ફાયદો થશે. જો કે અંતિમ નિર્ણય પગાર અંગે સરકારના બજેટ અને પંચની ભલામણો પર નિર્ભર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે