વક્ફ સંશોધન બિલ આજે લોકસભામાં રજૂ થયું. બિલ રજૂ થયા બાદ બિલ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ તરફથી સદનમાં બિલ પર ચર્ચા શરૂ થઈ. જો કે લોકસભામાં બિલ પાસ કરાવવા માટે સત્તાધારી એનડીએ પાસે પૂરતું સંખ્યાબળ છે. બીજી બાજુ મુસ્લિમ સમુદાયોમાં પણ આ બિલને લઈને જે પ્રતિભાવ મળી રહ્યા છે તે મિક્સ છે. સવાલ એ છે કે આ બિલ કાયદામાં ફેરવાય અને તે લાગૂ થયા બાદ શું બદલાશે?
શું ફેરફાર આવશે?
જો વક્ફ બિલ બંને ગૃહમાં પાસ થાય અને પ્રક્રિયા પૂરી થયા બાદ લાગૂ થઈ જાય તો અનેક મોટા ફેરફાર જોવા મળશે. જેમ કે ટ્રિબ્યુનલનો નિર્ણય અંતિમ ગણાશે નહીં. દાવાને સિવિલ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે. વક્ફ તરફથી કોઈ પણ જમીન પર દાવો કરવો સરળ નહીં રહે. દાનમાં મળેલી જમીનને જ વક્ફની સંપત્તિ ગણી શકાશે. વક્ફની પૂરી સંપત્તિ પોર્ટલ પર નોંધાશે.
આ ઉપરાંત જો સરકારી સંપત્તિ પર દાવો કરાયો તો તપાસ કરવામાં આવશે. આ સાથે જ ઉપયોગના આધારે કોઈ પણ જમીન પર વક્ફનો દાવો સ્વીકાર થશે નહીં. બિલમાં કહેવાયું છે કે વક્ફની જે સંપત્તિઓ પર નમાજ પઢવામાં આવે છે તેમાં કોઈ હસ્તક્ષેપ થશે નહીં. રજિસ્ટર્ડ સંપત્તિઓમાં કોઈ હસ્તક્ષેપ નહીં થાય. ખાસ વાત એ છે કે વક્ફ કોઈ પણ આદિવાસી વિસ્તારમાં સંપત્તિનો દાવો કરી શકશે નહીં.
આ પણ બદલાશે
કલેક્ટર પાસેથી અધિકાર છીનવાશે
જિલ્લા કલેક્ટરની જગ્યાએ હવે કલેક્ટરથી ઉપરી રેંકના અધિકારીને સંપત્તિનો માલિકી હક નક્કી કરવાનો અને રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવાનો હક રહેશે. આ અધિકારીની પસંદગી પણ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે.
વક્ફ ટ્રિબ્યુનલ
વક્ફ ટ્રિબ્યુનલમાં ત્રણ સભ્ય રહેશે. જેમાંથી એ મુસ્લિમ કાયદાના જાણકાર હશે. આ સાથે જ પૂર્વ કે વર્તમાન જિલ્લા જજને અધ્યક્ષ બનાવવામાં આવશે. આ ઉપરાંત ત્રીજા સભ્ય રાજ્ય સરકારમાં સહ સચિવ રેંકના હશે.
સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ
બિલમાં કહેવાયું છે કે આ કાઉન્સિલના ઓછામાં ઓછા બે સભ્યો બિન મુસ્લિમ હશે. કાઉન્સિલમાં નિયુક્ત કરાયેલા સાંસદો, પૂર્વ જજો અને ગણમાન્યોનું મુસ્લિમ હોવું જરૂરી નહીં રહે. આ સાથે તેમાં મુસ્લિમ સંગઠનોના પ્રતિનિધિ, ઈસ્લામિક કાયદાના જાણકાર અને વક્ફ બોર્ડના અધ્યક્ષ સામેલ થશે. મુસ્લિમ સભ્યોમાં ઓછામાં ઓછા 2 મહિલાઓનું હોવું જરૂરી છે.
ટ્રિબ્યુનલનો ફેંસલો અંતિમ નહીં
હાલના કાયદા મુજબ વક્ફ ટ્રિબ્યુનલનો નિર્ણય અંતિમ રહે છે અને નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં જવાની મનાઈ છે. જો કે હાઈકોર્ટ પોતાની ઈચ્છાથી આવા મામલાઓ પર સુનાવણી કરી શકે છે. હવે બિલમાં ટ્રિબ્યુનલના નિર્ણયને અંતિમ માનવાની વાત ખતમ કરાઈ છે. આ સાથે કહેવાયું છે કે ટ્રિબ્યુનલના નિર્ણય પર 90 દિવસની અંદર હાઈકોર્ટમાં અપીલ થઈ શકશે.
કેન્દ્ર સરકારની શક્તિઓ
સંશોધન બિલ કેન્દ્ર સરકારને રજિસ્ટ્રેશન, વક્ફના ખાતાઓના પ્રકાશન જેવા નિયમોમાં ફેરફારનો અધિકાર આપે છે. આ સાથે જ કેન્દ્ર સરકાર વક્ફના ખાતાઓનું ઓડિટ CAG કે નિર્ધારિત અધિકારી પાસે કરાવી શકશે.
બોહરા અને અગાખાની માટે અલગ બોર્ડ
બિલમાં બોહરા અને અગાખાની માટે અલગ બોર્ડ તૈયાર કરવાની મંજૂરી અપાઈ છે.
વક્ફ પાસે કેટલી છે સંપત્તિ
WAMSI એટલે કે વક્ફ એસેટ્સ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયાના તાજા આંકડા દર્શાવે છે કે વક્ફ પાસે 8 લાખ 77 હજાર 804 અચલ સંપત્તિઓ રજિસ્ટર્ડ છે. જ્યારે ચલ સંપત્તિઓની સંખ્યા 16 હજાર 716 છે.
ક્યારથી શરૂ થયું વક્ફ
અલ્પસંખ્યક મામલાઓના મંત્રાલય મુજબ ભારતમાં વક્ફનો ઈતિહાસ દિલ્હી સલ્તનતના શરૂઆતના દિવસોથી જોડાયેલો છે. જ્યારે સુલ્તાન મુઈજુદ્દીન સૈમ ગૌરે મુલ્તાનની જામા મસ્જિદને બે ગામ સમર્પિત કરી દીધા અને તેનું પ્રશાસન શેખુલ ઈસ્લામને સોંપી દીધુ. જેમ જેમ દિલ્હી સલ્તનત અને બાદમાં ઈસ્લામી રાજવંશ ભારતમાં વિકાસ પામ્યા તેમ તેમ વક્ફની સંપત્તિઓની સંખ્યા વધતી ગઈ.
આગળ જણાવવામાં આવ્યું કે 19મી સદીના અંતમાં ભારતમાં વક્ફને સમાપ્ત કરવાનો મામલો ત્યારે ઉઠ્યો જ્યારે લંડનની પ્રિવી કાઉન્સિલમાં વક્ફ સંપત્તિ પર વિવાદ છેડાયો. તે સમયે ભારત ઔપનિવેશક શાસનને આધીન હતું. મામલાની સુનાવણી કરનારા 4 જજોએ વક્ફને સૌથી ખરાબ અને સૌથી ઘાતક પ્રકારની શાશ્વતતા તરીકે ગણાવ્યું હતું. વક્ફને અમાન્ય જાહેર કર્યું હતું. બાદમાં ભારતમાં આ નિર્ણય સ્વીકારાયો નહીં. 1913નો મુસલમાન વક્ફ વૈધીકરણ અધિનિયમને લાગૂ કરીને આ સંપત્તિઓને કાયદા દ્વારા બચાવવામાં આવી. ત્યારથી વક્ફ પર અંકુશ લગાવવાનો કોઈ પ્રયત્ન થયો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે