હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે જેઓ સ્વાસ્થ્ય મંત્રી પણ છે. જો કે તેમની ટર્મ તો 2023માં પૂરી થઈ ગઈ હતી પરંતુ પછી લોકસભા ચૂંટણીને કારણે તેમની ટર્મ લંબાવવામાં આવી હતી. 2024માં ચૂંટણી તો પતી ગઈ અને હવે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં થવા લાગી છે. ત્યારે કોણ બનશે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તે સવાલ ઘેરાઈ રહ્યો છે. સસ્પેન્સ યથાવત છે. અનેક નામો ચર્ચામાં છે. જો કે હજુ સુધી અધિકૃત રીતે સંગઠન ચૂંટણી પર પાર્ટી તરફથી કોઈ જ નવી જાણકારી સામે આવી નથી. ભાજપના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે અડધાથી વધુ રાજ્યોમાં સંગઠન ચૂંટણીની પ્રક્રિયા પૂરી થવી જરૂરી છે. સૂત્રો મુજબ મોટાભાગના રાજ્યોમાં આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હાલમાં જ યુપીમાં પણ જિલ્લા અધ્યક્ષોના નામની જાહેરાત કરી દેવાઈ. ત્યારબાદ એવી આશા વર્તાઈ રહી છે કે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પણ જલદી પૂરી થશે. પરંતુ પહેલગામ આતંકી હુમલાના પગલે તે ફરીથી ટાળવામાં આવી.
રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પહેલા ભાજપે અનેક રાજ્યોમાં હજુ તો પ્રદેશ અધ્યક્ષ પસંદ કરવાના છે. મીડિયા રિપોર્ટ મુજબ ઉત્તરાખંડમાં એક બ્રાહ્મણ ચહેરો મજબૂત દાવેદાર મનાઈ રહ્યો છે. યુપીમાં પહેલા બ્રાહ્મણ ચહેરા પર વિચાર થઈ રહ્યો હતો પરંતુ હવે પછાત વર્ગમાંથી અધ્યક્ષ બનાવવાની માંગ તેજ થઈ છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી એવો ફોર્મ્યૂલા હતો કે મુખ્યમંત્રી ઓબીસી અને પ્રદેશ અધ્યક્ષ બ્રાહ્મણ પરંતુ હવે પાર્ટી જનજાતીય નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવવા પર વિચાર કરી રહી છે કારણ કે હાલ કોઈ આદિવાસી પ્રતિનિધિત્વ નથી.
મીડિયા રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે જે દિગ્ગજ નેતાઓના નામ ચર્ચામાં છે તેમાં ધર્મેન્દ્ર પ્રધાન (કેન્દ્રીય મંત્રી), શિવરાજ સિંહ ચૌહાણ (કેબિનેટ મંત્રી), મનોહરલાલ ખટ્ટર (કેબિનેટ મંત્રી), જેવા દિગ્ગજ નામો સામેલ છે. તેમાંથી કેટલાક નામ સંગઠનાત્મક અનુભવના આધારે મજબૂત ગણાઈ રહ્યા છે તો કેટલાક નામ રાજનીતિક પ્રતિનિધિત્વ અને સામાજિક સંતુલનને ધ્યાનમાં રાખીને સામે આવ્યા છે.
સંગઠનાત્મક પુર્નગઠનની કવાયત હવે જોર પકડી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી જે પી નડ્ડા હાલમાં પાર્ટી અધ્યક્ષ છે જેમનો કાર્યકાળ લોકસભા ચૂંટણી સુધી લંબાવવામાં આવ્યો હતો. નડ્ડા જાન્યુઆરી 2020માં અધ્યક્ષ બન્યા હતા અને 2023માં તેમનો કાર્યકાળ 2024ની લોકસભા ચૂંટણી સુધી લંબાવવામાં આવ્યો હતો. ચૂંટણી તો પૂરી થઈ ગઈ. ત્યારે હવે પાર્ટી નેતૃત્વમાં ફેરફારને લઈને ચર્ચાઓ તેજ છે.
મીડિયા રિપોર્ટ મુજબ ભાજપ જૂનના બીજા સપ્તાહમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડી શકે છે. જે હેઠળ સૌથી પહેલા રાજ્ય સ્તર પર સંગઠનાત્મક ચૂંટણી કરાવવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રીય સ્તર પર અધ્યક્ષની પસંદગી થશે. આ સમગ્ર પ્રક્રિયા પાર્ટીના બંધારણ પ્રમાણે હશે. જેમાં નામાંકન, સ્ક્રૂટની, અને મતદાન જેવા તબક્કા સામેલ હશે.
ચૂંટણીની પારદર્શકતા જાળવી રાખવા માટે એક કેન્દ્રીય ચૂંટણી સમિતિ બનાવવામાં આવશે. જે આ પ્રક્રિયાની નિગરાણી કરશે. જો કે એ સ્પષ્ટ નથી કે જે પી નડ્ડા ફરીથી આ ચૂંટણી લડશે કે પછી કોઈ નવો ચહેરો સામે આવશે. પરંતુ પાર્ટીની અંદર અને બહાર બંને સ્તરે ઉત્સુકતા ખુબ છે.
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ 2026ની વિધાનસભા ચૂંટણીઓ અને 2029ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે. આવામાં આ ચૂંટણી ફક્ત સંગઠનાત્મક પરિવર્તન નહીં પરંતુ પાર્ટીના ભવિષ્યની દિશા અને પ્રાથમિકતાઓ પણ નક્કી કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે