Olympics 2036: તાજેતરમાં ભારતે ઓલિમ્પિક 2036ના યજમાન પદની સત્તાવાર દાવેદારી કરી છે. ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને ભારતીય ઓલિમ્પિક એસોશિએશનના અધ્યક્ષ પીટી ઉષા સહિત 8 સભ્યોના પ્રતિનિધિમંડળ ઓલિમ્પિક રાજધાની લુઝાનમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સાથે બેઠકમાં હાજર રહ્યાં હતાં. દરમિયાન ઓલિમ્પિક 2036 અમદાવાદમાં યોજાય તે અંગે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. સાઉદી અરેબિયા, ઈન્ડોનેશિયા અને તુર્કી જેવા દેશો પણ ભારતને ટક્કર આપી શકે છે. તેમણે પણ ઓલિમ્પિક્સ 2036 માટે સત્તાવાર રીતે દાવો કર્યો છે.
ઓલિમ્પિક્સમાં રમત-ગમત સાથે આર્થિક લાભને પણ મહત્વ
જે દેશમાં ઓલિમ્પિક્સનું આયોજન થાય છે, ત્યાં ઘણો આર્થિક લાભ પણ જોવા મળે છે. ઓલિમ્પિક્સ એટલે એથલેટિક પ્રતિયોગિતાનું પ્રદર્શન તો ખરુ જ પણ જે દેશમાં તેનું આયોજન થઈ રહ્યું છે તેને આર્થિક ફાયદો થાય તે પણ મહત્વનું છે. જોકે તેનું હોસ્ટિંગ પણ ઘણું મોંઘુ હોય છે અને લાંબાગાળાનું આયોજન રહે છે.
ઓલિમ્પિક ખર્ચ આસમાને પહોંચે તેટલો મોંઘો
ટોક્યોની વાત કરીએ તો તેને વર્ષ 2016માં ઓલિમ્પિકમાં બોલી હારી જતાં લગભગ 150 મિલિયન ડોલરનો ખર્ચ અને 2020માં રમતોને સુરક્ષિત કરવા માટે તેની અડધી કિંમત ખર્ચ કરી હતી. વર્ષ 2007 થી 2016ની વચ્ચે ઓલિમ્પિક હોસ્ટ કરવાનો સરેરાશ ખર્ચ 12 બિલિયન ડોલર હતો. અત્યાર સુધી સમર ઓલિમ્પિકનું આયોજન કરતાં દેશોની યાદીમાં 23 શહેર અને 20 દેશ તથા વિન્ટર ઓલિમ્પિકનું આયોજનની યાદીમાં 21 શહેર અને 13 દેશોનો સમાવેશ થાય છે.
ઓલિમ્પિકનો ઈતિહાસ
પ્રાચીનકાળમાં ઓલિમ્પિક દેવતાઓના સમ્માન માટે આયોજિત કરવામાં આવતું. આ પ્રણાલીનો 19મી સદીમાં વિકાસ થયો. IOCની સ્થાપના બાદ પહેલો આધુનિક ઓલિમ્પિક ખેલ વર્ષ 1896માં ગ્રીસના એથેંસમાં થયો હતો. ત્યારબાદ 1960માં પેરાઓલિમ્પિકની પણ શરુઆત થઈ હતી. તે બાદ જાપાને 1964માં ઓલિમ્પિક હોસ્ટ કર્યું અને પછીથી તેની ગણતરી યુદ્ધકાલીન દેશમાંથી એક શાંતિપૂર્ણ દેશ તરીકે થઈ. રીસર્ચ અનુસાર, 1960 પછી બોલીની કિંમત ત્રણ ગણી વધી હતી. વર્ષ 1976માં મોન્ટ્રિયલ આ જોખમમાં ફસાયું હતું. તે લગભગ 1.5 બિલિયન ડોલરના કર્જમાં ડૂબ્યું હતું. આ દેણું ચૂકવવા માટે તેના દાયકાઓ વીતી ગયાં હતા.
આયોજનની સફળતા પર દેશના નફા-ખોટનો આધાર
નિષ્ણાંતોના મત અનુસાર, વિકસિત દેશો ઓલિમ્પિક્સનું આયોજન કરે તો તે શ્રેષ્ઠ છે. જો કંઈક સમસ્યા ઊભી થાય તો તેના નિવારણમાં વિકાસશીલ દેશોને ભારે સંઘર્ષ કરવો પડી શકે છે. જે દેશમાં સુવ્યવસ્થિત ઓલિમ્પિકનું આયોજન થાય છે ત્યાં અનેક રીતે ફાયદાઓ જોવા મળે છે.
પ્રત્યક્ષ રુપે આર્થિક લાભ
ઓલિમ્પિક હોસ્ટ કરનાર શહેરને ટિકીટના વેચાણ, સ્પોનસરશિપ અને પ્રસારણ જેવા માધ્યમથી આર્થિક ફાયદો થાય છે. લોસ એન્જલ્સ, છેલ્લું શહેર હતું કે જેણે તેમની કુશળતા અને વ્યવસ્થિત પ્રબંધનને કારણે મોટા પાયે નફો પ્રાપ્ત કર્યો હતો. તેઓએ હાલની સુવિધાઓનો ઉપયોગ કરી, સહકારી પ્રાયોજતા મેળવીને ખર્ચને ઘટાડ્યો હતો. 2008 બેઇજિંગ ઓલિમ્પિક્સ એક ઉદાહરણ રહ્યું જેને આર્થિક મજબૂતી અને આધુનિકીકરણની ભેટ મળી.
પરોક્ષ રીતે થતાં અન્ય લાભ
ઓલિમ્પિક્સનું આયોજન ઘણીવાર વિદેશી રોકાણ અને પર્યટનને પણ આગળ વધારે છે. બાર્સેલોના અને સિડની જેવા શહેરોએ તેમની ઓલિમ્પિક ઇવેન્ટ્સ પછી પ્રવાસીઓમાં ઘણી લોકપ્રિયતા મેળવી. લંડન ઓલિમ્પિક્સ 2012 દરમિયાન યુકેમાં આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓની વૃદ્ધિ જોવા મળી.
વૈશ્વિક પ્રતિષ્ઠા
ઓલિમ્પિક્સનું આયોજન લાખો પ્રવાસીઓને આકર્ષે છે જે દેશના નાના વ્યવસાયો, હોટલો અને તે શહેરના અર્થતંત્રને મજબૂત કરવામાં મદદ કરે છે. ઇવેન્ટ દરમિયાન, યજમાન શહેર મીડિયા અને દર્શકોનું આકર્ષણ કેન્દ્ર હોય છે. જેથી હોટેલ, પરિવહન જેવા વ્યવસાયોને ખૂબ ફાયદો મળી રહે છે. આ ઉપરાંત જે-તે દેશની પારંપરિક રહેણી, ભોજન, સંસ્કૃતિની આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ વધે છે.
રાજદ્વારી સંબંધોમાં સુધારો
ઓલિમ્પિકનું આયોજન વિવિધ દેશોના તમામ રમતવીરો માટે, ઓલિમ્પિક્સ દેશો સાથેના સંવાદ અને સહયોગમાં જોડાવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. ભવિષ્યમાં તે સંબંધનો ઉપયોગ નોકરીની તક મેળવવા, DTAA(Double Taxation Avoidance Agreements) સંધિ અને તેમના દેશમાં રહેતા નાગરિકોને કર મુક્તિનો લાભ મેળવવા માટે પણ મદદરુપ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે