Elon Musk Tesla First showroom in Mumbai BK: એલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લા 15 જુલાઈ, મંગળવારના રોજ ભારતમાં સત્તાવાર રીતે પ્રવેશી છે. કંપનીએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં મેકર મેક્સિટી મોલમાં તેનો પહેલો શોરૂમ ખોલ્યો છે. આ ઉપરાંત, કંપનીએ ભારતમાં તેની ઇલેક્ટ્રિક SUV મોડેલ Y લોન્ચ કરી છે. ભારતમાં ટેસ્લા મોડેલ Y ની શરૂઆતની કિંમત ₹60 લાખ (લગભગ $70,000) રાખવામાં આવી છે.
VIP મહેમાનોની હાજરીમાં ઉદ્ઘાટન
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે પણ શોરૂમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન પર શું બોલ્યા દેવેન્દ્ર ફડણવીસ
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ, 'આજે આપણા બધા માટે હર્,ની વાત છે કે ઘણા વર્ષોથી જેની પ્રતીક્ષા આપણે કરી રહ્યાં છીએ તે ટેસ્લા કાર આજે મુંબઈમાં લોન્ચ થઈ છે. ભારતીય બજારમાં તેમણે મુંબઈથી પોતાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. અમે તેનું ઉદ્ઘાટન પણ કર્યું છે. ટેસ્લા મુંબઈમાં એક્સ્પીરિયસન્સ સેન્ટરની સાથે-સાથે ડિલીવરીની વ્યવસ્થા, લોજિસ્ટિકની વ્યવસ્થા અને સર્વિસિંગની વ્યવસ્થા લાવી રહી છે. ટેસ્લાએ પણ મહારાષ્ટ્ર અને મુંબઈને પસંદ કર્યું મને તે વાતની ખુશી છે કારણ કે આજે ઈલેક્ટ્રિક વાહનના ક્ષેત્રમાં મહારાષ્ટ્ર લીડર બની ગયું છે. મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ટેસ્લાની ઈકો-સિસ્ટમ મહારાષ્ટ્રમાં જોવા મળશે.'
શોરૂમનો લુક અને પહેલી ઝલક
શોરૂમમાં, સફેદ દિવાલ પર કાળા રંગમાં ટેસ્લાનો લોગો એમ્બોસ્ડ જોવા મળ્યો. કાચની પેનલ પાછળ આંશિક રીતે ઢંકાયેલી મોડેલ Y કારે ત્યાં હાજર લોકોને આકર્ષ્યા. આ કાર 15 મિનિટના ચાર્જિંગમાં 600 કિમી સુધી દોડી શકે છે. ટેસ્લા પહેલા 4 ચાર્જિંગ સેન્ટર ખોલશે, પછી શહેરમાં કુલ 32 ચાર્જિંગ સેન્ટર બનાવવામાં આવશે. ટેસ્લા હાલમાં ભારતમાં મોડેલ Yના બે વેરિયન્ટ્સ ઓફર કરી રહી છે - રીઅર-વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટની કિંમત રૂ. 60.1 લાખ ($70,000) અને લોંગ-રેન્જ વેરિઅન્ટની કિંમત રૂ. 67.8 લાખ ($79,000) છે.
ભારતમાં ટેસ્લા કારની કિંમત કેટલી હશે?
અમેરિકા, ચીન અને જર્મની જેવા બજારો કરતાં કિંમતો ઘણી વધારે છે. ઉદાહરણ તરીકે: મોડેલ Y ની કિંમત અમેરિકામાં રૂ. 38.6 લાખ ($44,990), ચીનમાં રૂ. 30.5 લાખ ($36700) અને જર્મનીમાં રૂ. 46 લાખ ($53,700) છે. ભારતમાં આટલી ઊંચી કિંમતોનું મુખ્ય કારણ ભારે આયાત જકાત છે.
ભારતમાં EV બજારની સ્થિતિ
ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું કાર બજાર છે, પરંતુ ઇલેક્ટ્રિક વાહનો (EV) નો હિસ્સો હજુ પણ મર્યાદિત છે. આનું કારણ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને ઇલેક્ટ્રિક કારની ઊંચી કિંમતો હોવાનું માનવામાં આવે છે. ટેસ્લાના પ્રવેશથી EV બજારમાં હલચલ વધવાની ધારણા છે.
કંપની ત્રણ સ્ટોર ખોલશે
ટેસ્લાએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે ભારતમાં તેનું પહેલું અનુભવ કેન્દ્ર શરૂ કર્યું છે. આ પછી, કંપની નવી દિલ્હીમાં બીજું અને બેંગલુરુમાં ત્રીજું અનુભવ કેન્દ્ર ખોલવાની તૈયારી કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે