ઈરાન અને ઈઝરાયેલ એકવાર ફરીથી મોટા સંઘર્ષ તરફ આગળ વધી રહ્યા છે. ઈઝરાયેલ કોઈ પણ રીતે ઈરાનને પરમાણુ હથિયારો બનાવતા રોકવા માંગે છે. જ્યારે ઈરાન ઈઝરાયેલને મીટાવી દેવાની કસમો ખાઈ રહ્યું છે. વર્તમાન સમયમાં બંને દેશો એકબીજાના સૌથી મોટા દુશ્મન છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે એક જમાનામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ખુબ સારા સંબંધ હતા. બંને દેશ કટ્ટર દુશ્મન કેવી રીતે બની ગયા તે પણ જાણો.
ઈરાનમાં શાહનું શાસન
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંબંધ આજે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સૌથી વધુ દુશ્મનાવટ ધરાવે છે. પરંતુ આવું પહેલા નહતું. 1948માં ઈઝાયેલ રાજ્યની સ્થાપના બાદ મોટાભાગે મુસ્લિમ-બહુમતીવાળા દેશોએ તેને માન્યતા આપવાની ના પાડી દીધી હતી. જ્યારે ઈરાન એક શિયા દેશ છે. જેનો એક લાંબો સામ્રાજ્યવાદી ઈતિહાસ રહ્યો છે. અરબ દેશોની સાથે ઈરાનના સંબંધ અસહજ રહ્યા છે. ઈરાને પણ આમ તો અધિકૃત રીતે ઈઝરાયેલને માન્યતા આપી નથી પરંતુ બંને દેશોએ સંયુક્ત રણનીતિક ચિંતાઓને કારણે વ્યવહારિક સંબંધો વિક્સાવ્યા. તે સમયે ઈરાનમાં શાહનું શાસન હતું.
ઈઝરાયેલના સહયોગી
1970ના દાયકા સુધી ઈરાન, અમેરિકા, પશ્ચિમી દેશો અને ઈઝરાયેલનું સહયોગી હતું. શાહ મોહમ્મદ રઝા પહલવીના શાસનમાં ઈરાને કોલ્ડ વોર વખતે પશ્ચિમ સમર્થક વિદેશ નીતિનું પાલન કર્યું અને ઈઝરાયેલ અમેરિકાના સમર્થન પર નિર્ભર હતું આથી તેને ઈરાનના સ્વરૂપમાં એક સ્વાભાવિક ભાગીદાર મળ્યો.
3 દેશોનું ગઠબંધન
1958માં એક ગુપ્ત બેઠકમાં ઈઝરાયેલના પ્રધાનમંત્રી ડેવિડ બેન ગુરિયન અને તુર્કીના પ્રધાનમંત્રી અદનાન મેન્ડેરેસે એક ગઠબંધન બનાવ્યું હતું. ત્યારબાદ ઈરાન, તુર્કી અને ઈઝરાયેલે ટ્રાઈડેન્ટ નામની એક સંધિ કરી. જેમાં ઈન્ટેલિજન્સ માહિતી શેર કરવી, આર્થિક સહયોગ અને હથિયારોનો વેપાર સામેલ હતા.
મોસાદ અને SAVAK એ સાથે મળી કામ કર્યું
લાંબા સમય સુધી ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદ અને ઈરાનની જાસૂસી એજન્સી SAVAK એ સાથે મળીને કામ કર્યું. ઈઝરાયેલે ઈરાનને સૈન્ય સલાહકાર અને ટેક્નિકલ મદદ પણ આપી. ઈરાની સૈન્ય ઔદ્યોગિક પરિસરના વિકાસમાં ઈઝરાયેલે ખુબ સહયોગ કર્યો. 1967ના છ દિવસના યુદ્ધ બાદ જ્યારે અનેક અરબ દેશોએ ઈઝરાયેલનો બહિષ્કાર કર્યો હતો ત્યારે ઈરાને ઈઝરાયેલને ક્રૂડ ઓઈલ આપ્યું. બદલામાં ઈઝરાયેલે ઈરાનને ઉત્કૃષ્ટ કૃષિ અને ટેક્નિકલ મદદ આપી.
ઘનિષ્ઠ આર્થિક અને સુરક્ષા સંબંધો
1960 અને 1970ના દાયકામાં બંને દેશોમાં ધનિષ્ઠ આર્થિક અને સુરક્ષા સંબંધો હતા. 1979માં શાહના તખ્તાપલટ સુધી ઈઝરાયેલને ક્રૂડ ઓઈલ ઈરાન જ આપતું હતું. પરંતુ 1979માં ઈસ્લામિક ક્રાંતિ બાદ હાલાત બદલાયા. 1979ની ઈરાની ક્રાંતિએ બંને દેશોના સંબંધ પ્રભાવિત કર્યા. ખામનેઈના નેતૃત્વમાં ઈસ્લામી ગણરાજ્યની સ્થાપનાએ ઈરાનની વિદેશ નીતિને બદલી નાખી.
નવી ઈસ્લામિક વિચારધારા
ઈરાનના નવા ઈસ્લામિક શાસને ઈઝરાયેલને એક રાજકીય વિરોધીની સાથે સાથે એક ગેરકાયદેસર દેશ તરીકે પણ જોવા માંડ્યો. ઈરાનની નવી ઈસ્લામિક વિચારધારાએ પેલેસ્ટાઈનને સમર્થનની પ્રાથમિકતા આપી અને ઈઝરાયેલના અસ્તિત્વનો વિરોધ કર્યો. સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખામનેઈએ ભડકાઉ ભાષણો આપવાના શરૂ કર્યા.
એક બીજાના દુશ્મન બન્યા
અયાતુલ્લાહ ખામનેઈના નેતૃત્વમાં ઈરાને ઈઝરાયેલની સાથે તમામ રાજનીતિક સંબંધો તોડ નાખ્યા. ઈઝરાયેલી કર્મીઓને કાઢી મૂક્યા અને તેહરાનમાં ઈઝરાયેલી દૂતાવાસ પેલેસ્ટાઈનના મુક્તિ સંગંઠનને સોંપી દીધુ. 1980 અને 1990ના દાયકા દરમિયાન ઈરાને આતંકી સમૂહો, લેબનોનમાં હિજબુલ્લાહ અને પેલેસ્ટાઈની વિસ્તારમાં હમાસને ખુલ્લેઆમ સમર્થન આપવાનું શરૂ કરી દીધુ. ત્યારબાદ બંને દેશો એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા અને એકબીજાનું અસ્તિત્વ ભૂંસી નાખવાની જીદ પર આવી ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે