પાકિસ્તાનમાં સેના અને સુરક્ષાદળોને હાલના સમયમાં સતત હુમલા કરીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને બલુચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વામાં પાક સેના પર ભીષણ હુમલા થયા છે. જેમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ છે. વિદ્રોહી જૂથ બીએલએ તરફથી થઈ રહેલા હુમલાઓ વચ્ચે રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં પાકિસ્તાની સેનાના સૈનિકો સેનાની નોકરી છોડી રહ્યા છે. કાબુલ ફ્રન્ટલાઈને વિશ્વસનીય સૂત્રોના હવાલે આ દાવો કર્યો છે. કાબુલ ફ્રન્ટલાઈને રવિવારે જણાવ્યું છે કે એક અઠવાડિયામાં જ લગભગ 2500 જેટલા સૈનિકોએ સેનાની નોકરી છોડી છે.
પાકિસ્તાનની સેનામાં વધતી અસુરક્ષા, સતત થઈ રહેલા જવાનોના મોત અને પાકિસ્તાનની બગડતી આર્થિક પરિસ્થિતિને સૈનિકોના નોકરી છોડવા પાછળ મુખ્ય જવાબદાર કારણો ગણાવ્યા છે. પાક સેના છોડનારા મોટાભાગના સૈનિકો દેશની બહાર સાઉદી અરબ, કતાર, કુવૈત અને યુએઈમાં કામ કરવા ગયા છે. તેઓ પોતાને જીવના જોખમમાં નાખવા કરતા વિદેશ જઈને આર્થિ સુરક્ષા મેળવવાનું પસંદ કરી રહ્યા છે.
સેનામાં સ્થિતિ ખરાબ
રિપોર્ટમાં દાવો કરાયો છે કે પાકિસ્તાની સેનાની અંદર હાલત ખુબ ખરાબ છે. આવામાં સૈનિકો સતત હિંસા અને અસુરક્ષા વચ્ચે લડવા માટે તૈયાર થતા નથી. પાકિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ બગડવાથી સૈનિકોનું મનોબળ પણ તૂટી રહ્યું છે. જો કે મોટી સંખ્યામાં સૌનિકોનું આ પલાયન સેનાની તાકાત ઉપર પણ સવાલ ઉઠાવે છે. એ પણ એવા સમયે જ્યારે સુરક્ષાના મુદ્દે ગંભીર પડકારોનો સામનો કરી રહ્યા છે. તેનાથી ભવિષ્યમાં પાક સેનાની કાર્યક્ષમતા પર અસર પડી શકે છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં હાલમાં જ ટ્રેનને હાઈજેક કરીને તેમાં સવાર સૈનિકોને નિશાન બનવવામાં આવ્યા. ત્યારબાદ નોશકીમાં પણ સૈન્ય કાફલા પર ભીષણ હુમલો કરાયો. બંને હુમલામાં મોટી સંખ્યામાં સૈનિકોના મોતનો દાવો થઈ રહ્યો છે. આવામાં સૈનિકો જીવ જોખમમાં નાખવાની જગ્યાએ ખાડી દેશોમાં મજૂરી કરીને જીવન પસાર કરવાનો વિકલ્પ કદાચ પસંદ કરી રહ્યા છે. જો કે પાકિસ્તાનના મીડિયા કે પાક સેનાએ સૈનિકોના નોકરી છોડવા અંગે કોઈ જાણકારી આપી નથી કે સમાચારની પુષ્ટિ કરી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે