ભારતીય વેપારી અને પૂર્વ ભારતીય નેવીના અધિકારી કુલભૂષણ જાધવનું અપહરણ કરવામાં ISI ને મદદ કરનારા મુફ્તી શાહ મીરની તુર્બત પ્રાંતમાં અજાણ્યા વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી હોવાના રિપોર્ટ્સ આવી રહ્યા છે. ઘટના ઘટી ત્યારે મીર પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના તુર્બતમાં એક મસ્જિદમાં નમાજ પઢીને બહાર નીકળી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ અજાણ્યા લોકો મોટરસાઈકલ પર સવાર થઈને આવ્યા અને ફાયરિંગ કર્યું. મુફ્તી શાહ મીરને ગોળીઓ વાગવાથી ગંભીર ઈજાઓ થઈ અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મોત નિપજ્યું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ આ હુમલો પૂર્વનિયોજિત કાવતરું લાગે છે કારણ કે હુમલાખોરો રાહ જોઈને બેઠા હતા.
અત્રે જણાવવાનું કે પૂર્વ નેવી અધિકારી કુલભૂષણ જાધવનું ઈરાનથી અપહરણ કરવામાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને મદદ કરવામાં આ મુફ્તી શાહ મીર પણ સામેલ હોવાનું કહેવાય છે. પાકિસ્તાનનો દાવો છે કે પૂર્વ ભારતીય નેવી અધિકારીની 3 માર્ચ 2016ના રોજ બલુચિસ્તાનમાંથી ધરપકડ કરાઈ હતી. પાકિસ્તાને આરોપ લગાવતા કહ્યું હતું કે તે જાસૂસી માટે પાકિસ્તાન આવ્યા હતા.
જ્યારે ભારતીય પક્ષનું કહેવું છે કે કુલભૂષણ જાધવનું ઈરાનથી અપહરણ થયું હતું. જ્યાં તેઓ નેવીમાંથી સમય પહેલા રિટાયર થયા બાદ પોર્ટ શહેર ચાબહારમાં વેપાર કરી રહ્યા હતા. કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં મોતની સજા સંભળાવવામાં આવી છે. તેમના પર ભારતની ગુપ્તચર એજન્સીના ઈશાહે પાકિસ્તાન વિરુદધ જાસૂસી અને વિધ્વસંકારી ગતિવિધિઓના આરોપ છે. ભારતે જો કે આ આરોપો ફગાવ્યા છે.
ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાનમાં થયેલી સજાના ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી અને ત્યારબાદ પાકિસ્તાને આ ફાંસીની સજા પર રોક લગાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે