Zelensky Trump dispute: આખરે એ જ થયું જેનો ડર હતો. વોશિંગ્ટનના વ્હાઈટ હાઉસ પહોંચેલા યુક્રેનના રાષ્ટ્રપતિ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જે વાકયુદ્ધ થયું તેની પહેલી સાઈડ ઈફેક્ટ જોવા મળી છે. અમેરિકાએ યુક્રેનને મળનારી તમામ આર્થિક અને સૈન્ય મદદ પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે જેલેન્સ્કી પર શાંતિ વાર્તામાં રસ ન લેવા અને ત્રીજા વિશ્વ યુદ્ધને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે જેલેન્સ્કીએ કોઈ પણ સમજૂતિ વગર મીટિંગ છોડી હતી. ત્યારબાદ બંને દેશોના સંબંધ અંગે ગંભીર સવાલ ઊભા થયા છે. આ બધા વચ્ચે હવે અમેરિકાએ મોટું પગલું ભર્યું છે.
તમામ મદદ પર રોક
અસલમાં અમેરિકા તરફથી કહેવાયું છે કે યુક્રેનને અપાઈ રહેલી તમામ મદદ પર તત્કાળ પ્રભાવથી રોક લગાવવામાં આવી છે. બન્યું એવું હતું કે બેઠક વખતે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમેરિકાના સમર્થન વગર યુક્રેન પાસે કોઈ મજબૂત વિકલ્પ નથી. ટ્રમ્પ પ્રશાસન યુક્રેનના કુદરતી સંસાધનો સુધી અમેરિકાની પહોંચ સુનિશ્ચિત કરવા માટે એક કરાર ઈચ્છતું હતું પરંતુ તુતુ મેમે એટલું વધી ગયું કે આ ડીલ રદ થઈ ગઈ. આ વિવાદના કારણે બંને નેતાઓની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરાઈ.
WATCH IN FULL: All 46 minutes of the Oval Office meeting between President Donald J. Trump and President Zelenskyy pic.twitter.com/L88QejnhRA
— Rapid Response 47 (@RapidResponse47) February 28, 2025
અમેરિકાનું એક્શન...પહેલી કડી
ત્યારબાદ બેઠક પછી જેલન્સ્કીએ ટ્વીટ કરીને અમેરિકાનો આભાર માન્યો પરંતુ એ પણ સ્પષ્ટ કરી દીધુ કે તેઓ ઝૂકશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે યુક્રેન ત્યાં સુધી શાંતિવાર્તા નહીં કરે જ્યાં સુધી તેને ભવિષ્યમાં હુમલાથી બચાવવાની ગેરંટી ન મળે. હાલ હવે આ મામલે ધીરે ધીરે ડેવલપમેન્ટ પણ શરૂ થઈ ગયા છે અને અમેરિકાનું એક્શન તેની પહેલી કડી છે.
યુક્રેનને કયા દેશનું સમર્થન
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે હાલમાં જ થયેલા વાકયુદ્ધ બાદ યુક્રેનને આંતરરાષ્ટ્રીય સમુદાયથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે. શુક્રવારે બંને નેતાઓ વચ્ચે વ્હાઈટ હાઉસમાં મુલાકાત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ. આ ઘર્ષણે યુક્રેન-રશિયા સંઘર્ષના સંદર્ભમાં અમેરિકા અને યુરોપ વચ્ચે વધતા મતભેદો ઉજાગર કર્યા છે. યુક્રેનને યુરોપીયન ભાગીદારો અને દુનિયાના અલગ અલગ દેશોના નેતાઓએ જ્યાં જેલેન્સ્કીનું સમર્થન કર્યું ત્યાં બીજી બાજુ વ્હાઈટ હાઉસ ટ્રમ્પની પડખે રહ્યું.
યુરોપીયન દેશો આવ્યા પડખે
યુરોપના અનેક પ્રમુખ દે્શોએ જેલેન્સ્કીના પક્ષમાં અવાજ બુલંદ કર્યો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને એક્સ પર લખ્યું કે એક હુમલાખોર છે, રશિયા. એક પીડિત છે, યુક્રેન. અમારો ત્રણ વર્ષ પહેલા યુક્રેનની મદદ કરવી અને રશિયા પર પ્રતિબંધ લગાવવો યોગ્ય હતું. આમ કરતા રહેવું યોગ્ય પણ છે. મેક્રોને કહ્યું કે અમારાનો અર્થ એટલે કે અમેરિકી, યુરોપીયન, કેનેડિયન, જાપાની અને અનેક અન્યથી છે. તેમણે કહ્યું કે તે તમામનો આભાર જેમણે મદદ કરી અને કરી રહ્યા છે. તે લોકો પ્રત્યે સન્માન વ્યક્ત કરું છું જે શરૂઆતથી લડી રહ્યા છે. કારણ કે તેઓ પોતાની ગરીમા, સ્વતંત્રતા, પોતાના બાળકો અને યુરોપની સુરક્ષા માટે લડી રહ્યા છે. તેમણે ટ્રમ્પના બંને પક્ષોને સમાન માનવાના દ્રષ્ટિકોણની ટીકા કરી.
શું કહ્યું જર્મનીએ
જર્મનીના આગામી સંભવિત ચાન્સેલર ફ્રેડરિક મર્જે એક્સ પર લખ્યું કે પ્રિય વોલોદિમિર જેલેન્સ્કી અમે સારા અને મુશ્કેલ સમયમાં યુક્રેનની પડખે છીએ. આપણે આ ભયાનક યુદ્ધમાં ક્યારેય હુમલાખોર અને પીડિત અંગે ભ્રમિત થવું જોઈએ નહીં. યુક્રેનના પાડોશી પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્કે પણ ક્હ્યું કે, પ્રિય યુક્રેની મિત્ર, તમે એકલા નથી. એસ્ટોનિયાના પ્રધાનમંત્રી ક્રિસ્ટન મિશલે કહ્યું કે તેમનો દેશ સ્વતંત્રતાની લડતમાં જેલેન્સ્કી અને યુક્રેન સાથે એકજૂથ છે. મિશનલે કહ્યું કે, હંમેશા. કારણ કે તે યોગ્ય છે, સરળ નથી.
સ્વીડન, લિથુઆનિયા, લાતવિયા, ચેક ગણરાજ્ય, સ્પેન, નોર્વે, નેધરલેન્ડ્સ, અને બેલ્જિયમ જેવા દેશોએ પણ યુક્રેન પ્રત્યે પોતાની એકજૂથતા વ્યક્ત કરી. યુરોપીયન સંઘની વિદેશ નીતિ પ્રમુખ કાઝા કૈલાસે કહ્યું કે આજે એ સ્પષ્ટ થઈ ગયું કે આઝાદ દુનિયાને એક નવા નેતાની જરૂર છે, અને આ જવાબદારી યુરોપે લેવી પડશે. યુરોપીયન આયોગના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને એક્સ પર લખ્યું કે તમે જે ગરિમા દેખાડી, તેણે યુક્રેનના લોકોની બહાદુરી દર્શાવી છે. મજબૂત, બહાદુર અને નીડર બની રહ્યા, પ્રિય વોલોદિમિર જેલેન્સ્કી. અમે ન્યાયપૂર્ણ અને સ્થાયી શાંતિ માટે તમારી સાથે કામ કરતા રહીશું.
મેલોનીનું પણ સમર્થન મળ્યું
ટ્રમ્પની નીકટની સહયોગી ગણાતા ઈટાલીના પ્રધાનમંત્રી જિયોર્જિયા મેલોનીએ પણ કહ્યું કે કૂટનીતને ફરીથી પાટા પર લાગવવા માટે યુરોપીયન સંઘ અને અમેરિકા વચ્ચે શીખર સંમેલનનું આહ્વાન કરશે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, અમેરિકા, યુરોપીયન દેશો અને સહયોગીઓ વચ્ચે તત્કાળ એક શીખર સંમેલન યોજવાની જરૂર છે, જેમાં આ અંગે ખુલીને વાત કરી શકાય કે આપણે આજના મોટા પડકારોને કેવી રીતે પહોંચવા માંગીએ છીએ. તેની શરૂઆત યુક્રેનથી થાય, જેનો આપણે હાલના વર્ષોમાં મળીને બચાવ કર્યો છે.
જેલેન્સ્કીને સમર્થન આપનારા દેશ
સ્લોવેનિયા, બેલ્જિયમ, આયરલેન્ડ, ઓસ્ટ્રિયા, કેનેડા, રોમાનિયા, ક્રોએશિયા, એસ્ટોનિયા, ફિનલેન્ડ, લાતવિયા, નેધરલેન્ડ, ફ્રાન્સ, લક્ઝમબર્ગ, પોર્ટુગલ, સ્વીડન, જર્મની, નોર્વે, ચેક ગણરાજ્ય, લિથુઆનિયા, સ્પેન, મોલ્દોવા, પોલેન્ડ, યુકે, યુરોપીયન સંઘ, ઈટલીએ શીખર સંલમેનનું આહ્વાન કર્યું.
હંગરીએ ટ્રમ્પને આપ્યો સાથ
જો કે હંગરીના પ્રધાનમંત્રી વિક્ટર ઓર્બાને ટ્રમ્પને સમર્થન આપતા કહ્યું કે, મજબૂત લોકો શાંતિ સર્જે છે, નબળા લોકો યુદ્ધને જન્મ આપે છે. આ નિવેદન યુરોપની અંદરના મતભેદોને દર્શાવે છે. બીજી બાજુ વ્હાઉટ હાઉસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ વેન્સની અમેરિકા ફર્સ્ટ સ્ટ્રેન્થને સમર્થન મળી રહ્યું છે. ટ્રમ્પ અને વેન્સે દુનિયાને સ્પષ્ટ કરી દીધુ છે કે અમેરિકાનો ફાયદો ઉઠાવવા દેવામાં નહીં આવે. કેબિનેટ અને સમગ્ર દેશના સાંસદ આ ભાવના રજૂ કરી ચૂક્યા છે. નિવેદનમાં વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ગૃહ સુરક્ષા મંત્રી ક્રિસ્ટી નોએમ સહિત અનેક સાંસદોના નિવેદનો સામેલ છે.
બ્રિટનમાં જમાવડો
અત્રે જણાવવાનું કે આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પોતાના ચોથા વર્ષમાં પ્રવેશ્યું છે. યુરોપીન નેતા રવિવારે લંડનમાં બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરની મેજબાનીમાં એક બેઠક કરશે જેમાં જેલેન્સ્કી પણ સામેલ થશે. આ બેઠક ટ્રમ્પ પ્રશાસનના યુક્રેન નીતિ પ્રત્યે યુરોપની રણનીતિ નક્કી કરવામાં મહત્વપૂર્ણ હોઈ શકે છે. આ ઘર્ષણે વૈશ્વિક મંચ પર એક નવી ચર્ચા છેડી છે કે શું અમેરિકાની ભૂમિકા યુક્રેન સંકટમાં ઘટી રહી છે અને યુરોપે હવે આગળ પડીને નેતૃત્વ કરવું પડશે. હાલ જેલેન્સ્કીને મળેલું આ સમર્થન યુક્રેન માટે એક મજબૂત સંદેશ છે કે તે આ સંઘર્ષમાં એકલું અટલું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે