અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા માટે 50 મિલિયન ડોલર એટલે કે લગભગ 4,37,44,68,500.00 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. જે એક રીતે સમજીએ તો લગભગ 400 કરોડથી વધુ રકમ છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે માદુરો દુનિયાના સૌથી મોટા ડ્રગ્સ તસ્કરોમાંથી એક છે. તેમના પર આરોપ છે કે તેઓ ડ્રગ માફિયાઓ સાથે મળીને અમેરિકામાં ફેન્ટેનાઈલ મિક્સ્ડ કોકીન મોકલે છે. જે લોકોના જીવન બરબાદ કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી એપીમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ એટોર્ની જનરલ પામ બોન્ડીએ ગુરુવારે ઈનામની જાહેરાત કરતા એક વીડિયોમાં કહ્યું કે , રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં માદુરો ન્યાયથી બચી શકશે નહીં અને તેમને તેમના જઘન્ય અપરાધો માટે જવાબદાર ઠેરવવામાં આવશે.
માદુરો પર શું છે આરોપ
માદુરો પર 2020માં ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં ન્યૂયોર્કની કોર્ટમાં ડ્રગ તસ્કરી અને નાર્કો-આતંકવાદના ગંભીર આરોપ લાગ્યા હતા. તે વખતે તેમના માટે 15 મિલિયન ડોલરનું ઈનામ જાહેર હતું. જેને બાઈડેન સરકારે વધારીને 25 મિલિયન ડોલર કર્યું. હવે ટ્રમ્પે તેને બમણું કર્યું છે. આ રકમ 2001માં 9/11 હુમલાના માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેન માટે રાખવામાં આવેલા ઈનામ જેટલી હતી.
અમેરિકાને માદુરોથી આટલી દુશ્મનાવટ કેમ?
અમેરિકાનું કહેવું છે કે માદુરો ડ્રગ કાર્ટેલ્સ સાથે મળીને ભારે પ્રમાણમાં કોકીનની તસ્કરી કરે છે. અમેરિકી ડ્રગ એજન્સીએ માદુરો સંલગ્ન 7 મિલિયન ટન કોકીન પકડી છે. જેમાં ફેન્ટેનાઈલ નામનું ખતરનાક ડ્રગ મિક્સ કરાય છે. આ ડ્રગ અમેરિકામાં નશાની લત વધારી રહ્યું છે. આ સાથે જ માદુરો સંલગ્ન 700 મિલિયન ડોલરની સંપત્તિ કે જેમાં બે પ્રાઈવેટ જેટ પણ સામેલ છે તે અમેરિકાએ જપ્ત કર્યા છે.
માદુરોની સત્તા અને વિવાદ
માદુરોએ 2024માં વેનેઝુએલામાં ફરીથી ચૂંટણી જીતી પરંતુ અમેરિકા, યુરોપીયન યુનિયન અને અનેક લેટિન અમેરિકન દેશોએ તેને ફેક ગણાવી. આ દેશોએ માદુરોના પ્રતિસ્પર્ધીને અસલ રાષ્ટ્રપતિ ગણ્યા. આમ છતાં માદુરો સત્તામાં છે. હાલમાં જ ટ્રમ્પે એક ડીલ હેઠળ વેનેઝુએલામાં બંધ 10 અમેરિકી કેદીઓને છોડાવ્યા અને બદલામાં અનેક પ્રવાસીઓને વેનેઝુએલાથી અલ સાલ્વાડોર મોકલ્યા. આ ઉપરાંત અમેરિકી ઓઈલ કંપની શેવરોનને વેનેઝુએલામાં ઓઈલ કાઢવાની પણ મંજૂરી અપાઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે